જોશીમઠ-બદ્રીનાથ વચ્ચે હેલિકોપ્ટર ક્રેશ:6 લોકો સવાર હતા; પહાડ પર ઊભેલા લોકોએ હેલિકોપ્ટર ક્રેશ થયાનો વીડિયો બનાવ્યો

TSP NEWS DESK 30 OCTOBER 2026
જોશીમઠ અને બદ્રીનાથ વચ્ચે શુક્રવારે ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. તેમાં પાયલટ સહિત 6 લોકો સવાર હતા. હેલિકોપ્ટરે બપોરે લગભગ 1:14 વાગ્યે બદ્રીનાથથી દેહરાદૂનના સહસ્રધારા માટે ઉડાન ભરી હતી.
જોશીમઠ ખીણ ઉપરથી ઉડાન દરમિયાન હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો. ત્યારબાદ ટ્રેકિંગ સિસ્ટમ પર પણ તેનું લોકેશન મળવાનું બંધ થઈ ગયું. સેનાએ અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જોશીમઠ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયાની પુષ્ટિ કરી છે.
દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ખરાબ હવામાન છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે.
પહાડી પર ચઢી રહી છે રેસ્ક્યૂ ટીમ
SDRFની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે પહાડી પર ચઢી રહી છે. ડીએસપી મદન સિંહ બિષ્ટે જણાવ્યું કે ઘટનાની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. બીજી તરફ, આપદા વ્યવસ્થાપન અધિકારી નંદકિશોર જોશીના જણાવ્યા મુજબ, જેપી ડેમની ઉપર આવેલા જંગલમાં સફેદ રંગની કોઈ વસ્તુમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. તેની તપાસ માટે બીજા હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે.

પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ગુમ થયેલા હેલિકોપ્ટરની શોધખોળ કરી રહી છે.
કંપનીના સમગ્ર કાફલાની ઉડાનો પર રોક
આ હેલિકોપ્ટર ટ્રાન્સ ભારત એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હતું. તેમાં પાઇલટ કેપ્ટન હિમાંશુ ઉપરાંત 5 મુસાફરો સવાર હતા. તેમાં પ્રતાપા, અરુણ, શંકર ગૌડા, સુધીર કે. અને એચએસ નટરાજનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ સાવચેતીના ભાગરૂપે ટ્રાન્સ ભારત એવિએશનના તમામ હેલિકોપ્ટરોની ઉડાનો રોકી દેવામાં આવી છે.
ઉત્તરાખંડમાં 5 વર્ષમાં 7 હેલિકોપ્ટર ક્રેશ, 21નાં મોત
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, ઉત્તરાખંડમાં 2020થી જુલાઈ 2025 સુધીમાં 7 હેલિકોપ્ટર ક્રેશ થયા હતા. જેમાં 21 લોકોનાં મોત થયા હતા. જ્યારે, 2023થી 2025 દરમિયાન 6 હેલિકોપ્ટર દુર્ઘટનાઓ થઈ હતી. રાજ્યમાં અત્યાર સુધી કેટલાં હેલિકોપ્ટર ગુમ થયા છે, તેનો કોઈ સત્તાવાર આંકડો નથી.

